|
ટાઇમ મેગેઝીન દ્વારા જાહેર કરાયેલ વિશ્વને બદલી નાખનાર
૧૦૦ તસ્વીરોમાં સ્થાન મેળવનાર તસ્વીર |
ખાદી એટલે રાજકારણ કે રાજકારણી ખાદી એટલે ધોતી-ઝભ્ભો અને ખાદી નો ત્રીજો પર્યાય એટલે ગાંધી. ખાદી માટે ભલે આજે આપણા મનમાં કોઈ પણ વિચાર હોય, ખાદી ના નામે કૌભાંડ થાય કે વિવાદ, ટીવી પર ચાલતી બકવાસ થાય કે આપણા વડાપ્રધાનની દ્રષ્ટિએ વિકાસ પણ ખાદી ફોર નેશનની વાત કરવી હોય ત્યારે આદિવાસીથી લઇ અંગ્રેજો સુધી, મોદીથી લઇ ઓબામા, એક સમયે ગાંધીની લોકશાહી થી વિરુદ્ધ એવા સામ્યવાદી રશિયાથી લઈને જે દેશ સામે તેણે વર્ષો સુધી લડત ચલાવીને એ બ્રિટનના કેમરૂન સુધીના આજે એમનું નામ માનથી લેતા હોય તે એટલે મિ. મોહનદાસ કરમચંદ ગાંધી. હા આજ કાઠિયાવાડી બંદા એ ખાદીનું ધોતિયું પહેરી અને પહેરાવી ધોળિયાઓના પેન્ટ ઢીલા કરી દીધેલા. એટલે જ આજે પણ વિશ્વ ને સૌથી વધુ અસર કરનારી 100 તસ્વીરોની યાદી બને અને આપણા પોતડીદાદાનો માર્ગારેટાએ 70 વર્ષ પહેલાં લીધેલ રેંટિયા સાથેના ફોટાનો તેમાં સમાવેશ થાય. ભારતની સાથે વિશ્વને પણ બદલી શકે એટલા ગાંધી આજે રેલેવન્ટ છે.
હિંદ સ્વરાજ અને પછી આત્મકથા બન્નેમાં ગાંધી લખે છે, ભૂખમરો ભાગે તે રસ્તે જ સ્વરાજ મળે. સ્વરાજતો એ રસ્તે મળ્યું કે નહીં એ ચર્ચા ન કરીએ તોય ખાદીથી ગાંધી ભારતની ભૂખમરો વેઠતી પ્રજા ને તેમાંથી બહાર કાઢી શક્યા. અંગ્રેજોની લૂંટ ને ઘણે અંશે અટકાવી શક્યા. મિલ માલિકો દ્વારા થતું મજૂરોનું શોષણ અટકાવી શક્યા. અને આજ ખાદી અને સ્વદેશીના વિચારથી જન્મેલા અસહકારના આંદોલન વડે સો વર્ષની અંગ્રેજ સરકારના પાયા હચમચવી નાંખ્યા.
ગાંધીજી ઉર્ફ બાપુ આપણને માત્ર આઝાદી અપાવવામાં ન્હોતા માનતા તેઓ એ પહેલાં ભારત ને સ્વચ્છ, શિક્ષિત, અને સ્વનિર્ભર બનાવવા માગતા હતા. જે સમયે એક નાની સોયા માટે પણ બીજા પર મદાર રાખવો પડતો હોય ત્યારે દેશને સ્વનિર્ભર અને દેશના લોકોને આત્મનિર્ભર બનાવવા માટે ગાંધીએ વિક્સાવેલ શસ્ત્ર એટલે ખાદી. ખાદીથી ગાંધી એ કરેલ ક્રાંતિ વિશે લખાયું હોતતો સત્યના પ્રયોગોની જેમ જ ખાદીના પ્રયોગોનું અલગ પુસ્તક બન્યું હોત.
ભલે ગાંધીજીએ તે સમયે લોકોને ખાદી વડે ભૂખમરા માંથી બહાર કાઢ્યા હોય પણ આજના સમયમાં આપણે રોજ ખાદી પહેરીએ તો આપણે ભૂખમરામાં આવી જાય એવુ બની શકે. આજે ગાંધીજીની જેમ રેંટિયો ચલાવવુ એ મુર્ખામી જ ગણાય. ગાંધીજી ભલે ખાદીમાં ટેક્નોલોજીનો વિરોધ કરતા પણ આપણે અત્યારે કરીએ તો આજે ખાદીની વસ્તુ વાપરવી કે ખાદીનું કાપડ પહેરવુ તો દૂર એ વિશે વિચારતા પણ વિચાર કરવો પડે. હજારો કરોડની સબસીડી ની રકમ વપરાયા પછી પણ ખાદીની ઓળખ આજે ગરીબડી જ છે.સાલું આવા ગરીબડા વસ્ત્રની જ ભારે કિંમત ચૂકવવી પડે એને જ કદાચ કલિયુગ કહેવતો હશે.
આજે આપણાંમાંથી મોટાભાગના યુવાનોમાં ખાદીની ઓળખ ધોતી-ઝભ્ભાના પોશાક તરીકેની જ હશે. જે સમયમાં માત્ર છ મહિનાની અંદર દેશનો મોટાભાગનો યુવાવર્ગ ત્રીજી પેઢીના મોબાઈલ ફોન માંથી ચોથી પેઢીના મોબાઈલ ફોન વાપરતો થઈ ગયો હોય. આવા ઝડપી યુગમાં ખાદી માટે ગાંધીનો ચરખો અને હાથસાળ ચલાવીએ એ નરી મુર્ખામી જ ગણાય ને.
સ્કર્ટ પહેરતી યુવતી પાસે ધોતી-ઝભ્ભા વાળી ખાદી કોણ પહેરશે. ખાદી ની પડતી નું એક આ કારણ ગણી શકાય કે ગાંધીજીના ગયા પછી તેમાં આપણે પરિવર્તન ન લાવી શક્યા. અને પરિણામે આજે ખાદી નેતાઓ પૂરતી સીમિત બની રહી. અને બાકીનો દાટ દંભી ગાંધીવાદીઓ એ વાળ્યો. આજ ગાંધીવાદીઓ જાહેરજીવનમાં આવ્યાં અને ખાદી પહેરી લૂંટ ચલાવતા થયા.
|
ખાદી: નેશન ટુ ફેશન |
આવા મુખ્ય કારણોથી ખાદી આપણે દૂર થઈ પણ હવે આજની યુવા પેઢીને ખાદી સુધી લાવવા ખાદી ફોર નેશન છોડી ખાદી ફોર ફેશન કરવું પડશે. ખાદી પહેરવા માટેના ફરજિયાત નિયમો કરતા ખાદીની ગણતરી ઇકોફ્રેન્ડલી મટીરીયલ તરીકે કરાવવી પડશે. ખાદી ની ક્વોલિટી અને તેના વપરાશથી થતા ફાયદા સમજાવવા પડશે. અને સ્વદેશી વપરાશ વડે દેશભાવના જાગરુક થાય તે માટે પરફેક્ટ પ્લાનિંગ સાથે તેનું માર્કેટિંગ કરી યુવાનો ને તેના પ્રત્યે આકર્ષવા પડશે. હું તો કહું ખાદી કાપડ પહેરાવી ને તેના ફેશન શો કરી બતાવવા પડશે. ભલું થજો વર્તમાન સરકારનું આઝાદી ના પાંસઠ વર્ષમાં પાછલી સરકારોએ ન કર્યું તેવું આ સરકારે કરી બતાવ્યું છે. જેને લીધે ખાદી આજે થોડે ઘણે અંશે યુવાનો સુધી પહોંચતી થઈ છે. જેને લીધે આજે હું ખાદી વસ્ત્ર પહેરી શક્યો છું. એ માટે આપણા વડાપ્રધાનને ધન્યવાદ દેવા ઘટે.
#આવતા_જતાં
ખાદી ને યુવાનો સુધી પહોંચાડવા ખાદી ફોર પેશન અને ખાદી ફોર પ્રોફેશન થશે ત્યારે ફરી એક ક્રાંતિ થશે :
સ્વદેશી ક્રાંતિ
જય હિંદ!
©Hiteshnarsingani