Pages

Monday, 25 January 2016

જો રીઝે તો મોતીડે અમને વધાવે

જો રીઝે તો મોતીડે અમને વધાવે ને વિફરે તો વાઘણ બનીને ડરાવે
છે વાંકી નજરમાં છૂપી કંઈ ઈશારત, કે ચાહે તો ચપટીમાં અમને નચાવે
ગણું છું હું એની રિસાવાની ઘડીઓ ડરું છું જઈ કોણ એને મનાવે?


કદી ના બતાવે છુપાવેલ ગલ્લાં છતા પાઈ-પાઈ હિસાબો લખાવે
નીકળતો નથી સાદ ભગવાન, તોબા ! કહ્યુંં ચાંપ પગ તો ગળું એ દબાવે
મળે છે ફકત એક રજા પણ એ દિવસે ખૂણે-ખાંચરેથી એ બાવા પડાવે
અડોસણ-પડોસણને ભેગી કરીનેે જગતભરના ગપ્પા ને ગોળા ચલાવે
કે શોપિંગ કરવા જવું છે પૂછું ત્યાં એ થનગનતા કદમોને આગળ બઢાવે
કરે છે જો મેકપ તો માઝા મૂકી દે પ્રશંસા કરું તો ભવાં એ ચઢાવે
પીયરનાં સબંધોની ગાથા છે ન્યારી કરે કોલ ને વાત લાંબી ચલાવે
પતિધર્મ અંગે ગજબ ફિલસુફી છે: કે શોષણ કરીનેે ફરજ સૌ બજાવે <> પરશુરામ ચૌહાણ

થાય છે ,સપના ઉડીને ક્યાં જતા રહેતા હશે ?

થાય છે ,સપના ઉડીને ક્યાં જતા રહેતા હશે ? ડાળથી  ટહૂકા ઉડીને  ક્યાં જતા રહેતા હશે ?
ટમટમીને કેવી ઝાકમઝોળ કરતા રાતને ? તારલાઓ  આથમીને ક્યાં જતા રહેતા હશે?
છેવટે તો તટ ઉપર  ફેંકાય જાવાનું હતું, એંમ પડછાયા તરીને  ક્યાં જતા રહેતા હશે ?
અહીં સુધી  તો કાળનો પગરવ સુણી પહોંચ્યોં હવે, રેતમાં પગલાં  ડૂબીને  ક્યાં જતા રહેતા હશે ?
આ હવા માફક ન આવી હોય એવું તો નથી, આખરે શ્વાસો છળીને  ક્યાં જતા રહેતા હશે? <> પરશુરામ ચૌહાણ

બધું જ હોવા છતાય સાલે છે જિંદગીમાં અભાવ શાથી?

ગઝલ :--
બધું જ હોવા છતાય સાલે છે જિંદગીમાં અભાવ શાથી? ઉધાર છે આ નરી સજાવટ,ને આટલો આ લગાવ શાથી?
ઉચાટ શેનો ભર્યો છે દિલમાં ?પૂછે છે ચરણો જવાનું ક્યાં છે? ડૂબે છે સૂરજ, ઢળે છે સાંજો, છતા ન આવે પડાવ શાથી?
બીજાની અમથી ભૂલોને કેવી ભૂલી શકે ના ધરાર કિન્તુ ગુનો કરીનેે પછી સ્વયંનો કરે છે માણસ બચાવ શાથી?
સમાન માટી,સમાન દીવાં, ઉજાસ એના સમાન છે ,તો સમાન માથાં,સમાન ધડ છે,અલગ-અલગ છે સ્વભાવ શાથી?
સિતમ ગુજારીને એજ લોકો ચઢે છે જોવા ભરી બજારે, બિચારા જખ્મીના હાલ જોવા થતો છે ભારે જમાવ શાથી?
તૂટે હવે બસ નયનના બંધો ને થાય રાહત સદાય માટે, હ્રદય તરફથી ધસે છે લોહીનો પાંપણો પર દબાવ શાથી? બધાય જખ્મો રુઝાય ચાલ્યા,ન કોઈ ઝીણી કસર રહી પણ દવાની કેવી અસર હશે આ રહે છે થોડો તણાવ શાથી?
કહી દો જૂઠી હતી એ પ્રીત્યુ, કરાર,વચનો, ને કોલ,જૂઠાં, નિભાવવું જો ન'તું કશુંયે કર્યા હતાં એ ઠરાવ શાથી?
તમે કહો છો જરાક ચાલી શું કામ હાંફી જવાય 'પરશુ'? મળે છે રાહોમાં ઢાળ ઓછા અને વધારે ચઢાવ શાથી?
<> પરશુરામ ચૌહાણ

તમે આકાશ આપી દો અમે પીંછાઓ પહેરીને પછી ઊડી જવાનું પણ શીખી લઈશું ભલા માણસ!

એક પ્રયોગશીલ ગઝલ:--
તમે આકાશ આપી દો અમે પીંછાઓ પહેરીને પછી ઊડી જવાનું પણ શીખી લઈશું ભલા માણસ! જરા બે શ્વાસ લેવા દો નિરાંતે શાખ પર બેસી ગીતો કિલકારવાનું પણ શીખી લઇશું ભલા માણસ!
તમે જેને હવેલી કહી રહ્યા છો એ હવેલીની દિવાલો સાવ સોનાની હશે માની લીધું એ પણ હવે જ્યારે કમાડો કોતરાવો તો પછી કહેજો, ટકોરા મારવાનું પણ શીખી લઇશું ભલા માણસ!
ન આપો આશ્વાસન કોરેકોરું લીલાં જખ્મોને, તમારા શબ્દમાં કેવળ નમકનો સ્વાદ આવે છે ; ને છેટેથી મલમ દેખાડવાનું તૂત રહેવા દો, હ્દયને સાંધવાનું પણ શીખી લઇશું ભલા માણસ !
હકીકતમાં તમારી બેતહાસા બેઇમાની પર અમારી માણસાઇને દયા આવી રહી છે બહુ, મળો તો રુબરું મહોરા ઉતારીને મળો અમને કે ચહેરા વાંચવાનું પણ શીખી લઇશું ભલા માણસ!
અમે હોમી દીધી છે જાતને પણ સૌ અબળખાઓની સાથે પણ થયાં ના ખાખ કોઈ આશને કારણ, તમે બસ તેલ રેડો ને હવા ફૂંકી દો સારીપટ કે એમાં તાપવાનું પણ શીખી લઈશું ભલા માણસ!
<> પરશુરામ ચૌહાણ

આટલાં તિલાં ને


તમે કીધું ત્યાંસુગંધ રૂપી તુ


બધુંજ હોવા છતાય સાલે છે.


તમે આકાશ આપી દો


Saturday, 16 January 2016

"મૃગજળ"


એવો એક સમય મને આપ!,
જેને જકડી ને બેસી રહું, હું, બાહુપાશમાં,
બહુ વ્યસ્તતામાં જીવ્યા હવે આ જીવન,
બસ! હવે આ સમયનાં ઓથે તને સાચવી બેસી રહું,
ને આમજ જીવતરનો લાગેલો થાક હળવાસઆપી રહે મુજને,
એવી જ એક ક્ષણ જેને હું મૃગજળ સમજી,
દોડતી રહી જીવનભર....
પેલા કસ્તુરીમૃગ ની જેમ, મારામાં હોવા છતાં ,
મારાથી છેટે ને છેટે રહી...લપાતી,છુપાતી,સંતાતી....,
ને બસ! દોડ..દોડ.. અનંત સુધી...,
વૈભવની,સત્તાની,લાલસાની,પ્રણયની....
ભાંગી કોઈ ભૂખ.....? તરસ..બસ! તરસ....
ને, હું બસ ચાલતી જ રહી..વ્યસ્તતામાં ..અસ્તવ્યસ્ત..,
સ્વ ને ખોઈને ભીડમાં એકલી.
અસ્મિતા

ઘેરદાર ઘાઘરો ને,


ઘેરદાર ઘાઘરો ને, ચોળી ભાતીગળ,
ટમટમ કરતી ચુંદડીને, રાત ઝમે ઝમઝમ...,
આવ્યો ફાગણ ફોરમતો.....
એ આવ્યો ! ફાગણ ફોરમતોને...
રસઝરતી તુ નાર....,
છમછમછમ પાયલ છમકે...
તારલિયાની સાથ...,
યૌવન તારું મદમાતું ને મનગમતી તુ નાર...,
અંગ અંગ તારું દહેક દહેક ને...
મન મારું ચહેક.. ચહેક..,ને મોર કરે થનગાટ...,
તારી નખરાળી છે ચાલ..,
મઘમઘતો કેસુડો મહેકે..,વન,વન, ઉપવન....,
તારા યૌવનનોથનગાટ...,
તારી મદઝરતી છે ચાલ...,
તારા પાયલનો ઝંકાર...,
તારા શ્વાસનો ધબકાર...,
તારા ખંજનનો મલકાટ...,
તારા સ્પર્શનો પમરાટ...,
તારો કાળો ભમ્મર કેશ..,
તારા યૌવનનો છે કેફ...,
કાવ્ય બની કવિઘૂમે.. તારા અંગ મરોડદાર...,
અંગ અંગ નર્તન કરે ને મન ..સંગે સંગે સોહાય..,
તુ મદ્ઝરતી છે નાર,...
તુ રસઝરતી છે નાર...
તુ યૌવનનો તલસાટ...,
ઘેરદાર ઘાઘરો ને ચોળી ભાતીગળ.....
અસ્મિતા

મારી અંદર નો અડીખમ પથ્થર

મારી અંદર નો અડીખમ પથ્થર
આત્મા! નામે ઓળખાય,
મનોભાવો નો મોટો હીંચકો,
આલમ ડોલમ થાય,
કોણ બેસે? કોણ હલાવે ?,
અડીખમ પથ્થર હો મુંજાય,
ઉંચે જાય શૃંગે અથડાય ,નીચે આવે પાતાળે જાય,
શૃંગ ઉપર ની દેવી કાળી,પાતાળ ની પાછી પાતાળદેવી,
દક્ષ યજ્ઞ નો કાળભૈરવ!,સતી!, સતી થાય,
શંકર ભૂલે નાચ નટરાજનો ને,
બ્રહ્માંડ આલમ ડોલમ થાય,
સતી નાં શબને ખભે નાખી, તાંડવનૃત્ય થાય,
ને ધરતી ધરુજી જાય,
વિષ્ણુના સુદર્શન ચક્રે સતીના અંગઅંગ વેરાય,
પડ્યું અંગ જે ભૂમિ ઉપર તે શક્તિપીઠ કેહવાય,
શક્તિબીજ ને રોપ્યું આંગણે,
તે જ તીર્થોત્તમ કેહવાય.
અસ્મિતા