Pages

Monday 25 January 2016

બધું જ હોવા છતાય સાલે છે જિંદગીમાં અભાવ શાથી?

ગઝલ :--
બધું જ હોવા છતાય સાલે છે જિંદગીમાં અભાવ શાથી? ઉધાર છે આ નરી સજાવટ,ને આટલો આ લગાવ શાથી?
ઉચાટ શેનો ભર્યો છે દિલમાં ?પૂછે છે ચરણો જવાનું ક્યાં છે? ડૂબે છે સૂરજ, ઢળે છે સાંજો, છતા ન આવે પડાવ શાથી?
બીજાની અમથી ભૂલોને કેવી ભૂલી શકે ના ધરાર કિન્તુ ગુનો કરીનેે પછી સ્વયંનો કરે છે માણસ બચાવ શાથી?
સમાન માટી,સમાન દીવાં, ઉજાસ એના સમાન છે ,તો સમાન માથાં,સમાન ધડ છે,અલગ-અલગ છે સ્વભાવ શાથી?
સિતમ ગુજારીને એજ લોકો ચઢે છે જોવા ભરી બજારે, બિચારા જખ્મીના હાલ જોવા થતો છે ભારે જમાવ શાથી?
તૂટે હવે બસ નયનના બંધો ને થાય રાહત સદાય માટે, હ્રદય તરફથી ધસે છે લોહીનો પાંપણો પર દબાવ શાથી? બધાય જખ્મો રુઝાય ચાલ્યા,ન કોઈ ઝીણી કસર રહી પણ દવાની કેવી અસર હશે આ રહે છે થોડો તણાવ શાથી?
કહી દો જૂઠી હતી એ પ્રીત્યુ, કરાર,વચનો, ને કોલ,જૂઠાં, નિભાવવું જો ન'તું કશુંયે કર્યા હતાં એ ઠરાવ શાથી?
તમે કહો છો જરાક ચાલી શું કામ હાંફી જવાય 'પરશુ'? મળે છે રાહોમાં ઢાળ ઓછા અને વધારે ચઢાવ શાથી?
<> પરશુરામ ચૌહાણ

No comments:

Post a Comment