તમે આકાશ આપી દો અમે પીંછાઓ પહેરીને પછી ઊડી જવાનું પણ શીખી લઈશું ભલા માણસ!
જરા બે શ્વાસ લેવા દો નિરાંતે શાખ પર બેસી ગીતો કિલકારવાનું પણ શીખી લઇશું ભલા માણસ!
તમે જેને હવેલી કહી રહ્યા છો એ હવેલીની દિવાલો સાવ સોનાની હશે માની લીધું એ પણ
હવે જ્યારે કમાડો કોતરાવો તો પછી કહેજો, ટકોરા મારવાનું પણ શીખી લઇશું ભલા માણસ!
ન આપો આશ્વાસન કોરેકોરું લીલાં જખ્મોને, તમારા શબ્દમાં કેવળ નમકનો સ્વાદ આવે છે ;
ને છેટેથી મલમ દેખાડવાનું તૂત રહેવા દો, હ્દયને સાંધવાનું પણ શીખી લઇશું ભલા માણસ !
હકીકતમાં તમારી બેતહાસા બેઇમાની પર અમારી માણસાઇને દયા આવી રહી છે બહુ,
મળો તો રુબરું મહોરા ઉતારીને મળો અમને કે ચહેરા વાંચવાનું પણ શીખી લઇશું ભલા માણસ!
અમે હોમી દીધી છે જાતને પણ સૌ અબળખાઓની સાથે પણ થયાં ના ખાખ કોઈ આશને કારણ,
તમે બસ તેલ રેડો ને હવા ફૂંકી દો સારીપટ કે એમાં તાપવાનું પણ શીખી લઈશું ભલા માણસ!
<> પરશુરામ ચૌહાણ
No comments:
Post a Comment