Pages

Wednesday, 3 February 2016

પૂછો ના કોઈ હવે હોય કેવો વગડો

એક વેદના -
પૂછો ના કોઈ હવે હોય કેવો વગડો ને હોય કેવા ઝાડ અને છાંયડા,
હોય કેવા કૂવા ને વાવ અને વાડી કે સીમ અને પાદર ને ગામડા .
પૂછો ના કોઈ હવે હોય કેવી નદિયું, તળાવ અને વહેળા કે વોંકળા,
ભરખી ગયો કાળ શું વાડા ને કોઢ સોતા ધણચરના મેદાનો મોકળા ,
ખોવાણા ગાયું ને ભેંસુના ધણ,અને ખોવાણા ભડકીલા વાછડાં.
ક્યાય નથી તમરાનું ઝીણેરું ગાન,નથી રીઢા એ રામધણ રાનમાં ,
ધોરીની કોટ મહી ઘમકે ના ઘૂઘરાં, ના સંભળાતો કોસ હવે કાનમાં .
પૂછો ના હોય કેવા ખેતર ને ચાડીયા, ને શેઢા,ને ચાસ અને ક્યારડા.
ક્યાંય નથી ડેલી કે નળીયાળા ખોરડા કે ઢાળિયા ને બેસણાં બડાઈ ના,
ક્યાંય નથી ઢોલણી કે ઢોલિયા,ને આંગણાં કે હિંડોળા વડની વડવાઈના .
ક્યાંય નથી ઘમ્મર વલોણાંના ગાજ,નથી દળણાંના ગીતો ના રાગડા.
પૂછો ના સુરજનું ઉગમણે ઊગવું શું ,સાંજુક ના આથમણે નમવું,
ક્યાંય નથી દેખાતો ચાંદલિયો રાત્ય,એક પલકારે તારાનું ખરવું .
આટલામાં ક્યાંક હશે ધરબાયો આદમી કે મંગાવો કોદાળી-પાવડા.
-પરશુરામ ચૌહાણ

No comments:

Post a Comment