Pages

Saturday, 23 April 2016

યાદ છે તમને ? ,બસ

બસ                       

પંચાણુ ટકા સળગી ગયેલી બસે અંતિમ શ્વાસ લેતા પ્હેલા કહ્યું

યાદ છે તમને ?
રોડ ઉપર બાંધેલી છાપરીવાળા બસસ્ટેન્ડે બેઠાં બેઠાં તો તમે દસ વાર પૂછી લેતા “બસ ક્યારે આવશે ? બસ ક્યારે આવશે ? “ અને હું આવું ત્યારે હોંશે હોંશે ગોઠવાઈ જતાં બારી પાસે અને નાની નાની હથેળીઓ બહાર કાઢીને “આવજો, આવજો” થી ભરી મૂકતાં આખી સીમને .
                                    
યાદ છે તમને ?
બ્લૂ ચડ્ડી અને સફેદ શર્ટ પહેરી ,નાનકડું દફ્તર લટકાવી તમે ઊભા રહેતા ગામના વડલા નીચે મારી રાહ જોતાં ,અને હું આવું એટલે  કૂદી પડતાં મારી સીટ પર જાણે માનો ખોળો ખૂંદતા હોવ ને એ રીતે  

યાદ છે તમને ?
હટાણું કરવા ગયેલા બાપુને લઈને, મોતિયો ઉતરાવવા ગયેલી માને લઈને, ભાણેજ સાથે પિયર રહેવા આવતી બહેનને લઈને, નિશાળે ભણવા ગયેલી દીકરીને લઈને, તમારી પેઢી દર પેઢીએ મૂકેલા વિશ્વાસને લઈને રોજ સાંજે હું જ તો પાછી આવતી હતી તમારા ગામમાં .

મને સળગાવતા પ્હેલા તમારા હાથ કંપી તો ઉઠ્યા જ હશે ,

પણ ! ! !

તમને માણસમાંથી ટોળું બનાવી નાખતા એ લોકોને એટલું તો પૂછી જો જો ,
તમે ક્યારે’ય બસમાં બેઠાં છો ખરાં ?

No comments:

Post a Comment