Pages

Friday 5 February 2016

કે દીકરો દસમામાં આવ્યો

કવિતાની છાલ તમે છોડો કે,દીકરો દસમામાં આવ્યો
કોક ટ્યુશન વાળાને હાથ જોડો કે દીકરો દસમામાં આવ્યો.
ટેનીસ થી ઊંચક્યો ને સ્વીમીંગ માં નાખ્યો,
અર્ધો ભીંજાયો કે સ્કેટિંગ માં નાખ્યો,
સાન્તાક્લોઝ લાવ્યા ને દાદા ભૂલાયા,
ડેડી ને ડેડ કીધું ત્યારે હરખાયા,
ભલે હાંફયો ને તોય કહ્યું, "દોડો!" કે દીકરો દસમામાં આવ્યો.
દીકરાને ગમશે શું, એ ક્યાં વિચાર્યું !
આપણી જ ઈચ્છાનું ભારણ વધાર્યું,
ઢાળ જોઈ દોડ્યા ને દોડાવ્યે રાખ્યું,
એક ઘડી થોભી એ ન વિચાર્યું -
આ દીકરો કે રેસ તણો ઘોડો! કે દીકરો દસમામાં આવ્યો.
હાલરડાં ગાઈ જેને હેતે સુવાડ્યો,
કાચી નીંદર માંથી એને જગાડ્યો,
ભણતરના ભાર તણો થેલો ઉપાડ્યો,
આંખો ન ઉઘડી ત્યાં ચોપડો ઉઘાડ્યો !
એ તો સપનું જોવા માં પડે મોડો કે દીકરો દસમામાં આવ્યો.
સઘળાને નંબર વન શાને બનાવવા ?
આટલા વિદ્વાનોને ક્યાં જઈ સમાવવા ?
સાથે મળી સૌ બેસો વિચારવા
ક્યાં સુધી છોકરા ને રોબો બનાવવા ?
કૈક એની મરજી પર તો છોડો કે દીકરો દસમામાં આવ્યો.
ટકા ઓછા આવશે તો લોકો શું કહેશે,લોકો ની લાય ભોગ છોકરાનો લેશે,
કરગરતા મા-બાપો ભિક્ષુક ને વેશે,
ભણતર ની આ હાલત ઋષીઓ ના દેશે ?
કોક વિરલા હવે આ વિષચક્ર તોડો કે દીકરો દસમા માં આવ્યો.

No comments:

Post a Comment