Pages

Thursday, 24 March 2016

બજરંગી નું બલિદાનઆહ...

પડવાના વાંકે ઊભા  રહેલા, જર્જરિત ખાટલામાંથી ઊભા  થવા જતા બજરંગીના મોઢેથી આહ્કારો નીકળી ગયો . વૈદે આપેલો લેપ લગાવવા છતાં ડાબો પગ ગઈ કાલ કરતા વધારે સુજી ગયો હતો. શહેરના કોઈ ડોક્ટર પાસે જવાની વાત તો આ ગરીબ માણસ ને માટે એક અપ્રાપ્ય લક્ઝરી જેવી હતી.બજરંગીના ઝૂપંડપટ્ટીના વાસની સામે કોર રહેતા વૈદે પોતાની ફી ઉધાર રાખીને બજરંગી નો પગ ચેક કરી આપ્યો હતો અને ત્રણ દિવસ માટે લગાડવાનો લેપ પણ આપ્યો હતો.

સણકા મારતા પગને તો હજી એ ભૂલી જાત. નોતી ભૂલાતી એનાથી એ ઘટના, જેને કારણે આજ પોતાના આ હાલ હતા.બજરંગીને પોતાની ઉપર જ ગુસ્સો આવ્યો ..સડક ખોદતી વખતે એ બેધ્યાન થયો એટલે જ તો પોતાનો કોસ પોતાના પગ પર વાગ્યોને ..., કાશ એ વખતે ઓલ્યા બંગડી વેંચવા વાળાની લારી ના નીકળી હોત અને કાશ એ પોતાની જોરુ "રૂખી" ને બે જોડી બંગડી લઇ દેવાના દિવાસ્વપ્ન જોવામાં ના સરી પડ્યો હોત...વેવલો ક્યાંનો ...?, રુખીને શરીર ઢાંકવાને એક આખી કહેવાય એવી સાડી પણ નથી અને આ હાલ્યો બંગડી પહેરાવવા ...,

ઉપરથી વૈદની વણમાગી સલાહ .. ."હમણાં અઠવાડિયું ખાટલા નીચેથી પગ નહિ મેલતો ...", અરે બાપલા એટલું સહેલું હોત તો જોઈતુ'તું જ શું ?, આજે જો એ ટેમમાં નહિ પુગે તો કન્ત્રાટી સાયેબ બીજા કોઈને રાખી લ્યેસે ..,બજરંગી એ વિચાર્યું ...એક નજર રુખીની સોડ માં સુતેલા અડધા નાગા ત્રણ બાળકો ઉપર નાખી . ત્રણે ના પેટ અને વાંસા એકબીજા સાથે એવી રીતે ચોંટેલા હતા જાણે "સામ્યવાદ " ની શારીરિક વ્યાખ્યા . જિંદગી સાથેની અપેક્ષાઓની જેમ વેદનાને પણ કોરે મુકીને લંગડાતે પગે કોસ ઉપાડીને નવી બંધાતી હાઈવે ની સડક તરફ એ ચાલ્યો . ગરીબો એ ક્યાંતો બધું કોરે મુકવાનું હોય છે ક્યાંતો ખુદ કોરે થઇ જવાનુ હોય છે.

દુખતા પગ સાથે ત્રણ કિલોમીટરનો રસ્તો કાપતા સહેજે કલાક થઇ ગયો.દૂરથી આવતા કોસ અને તગારાઓના અવાજ બજરંગીના ભયને સાચો પાડી રહ્યા .કામ શરુ થઇ ચુક્યું હતુ .લાખ વિનવણી છતાં કન્ત્રાટી સાહેબ એકના બે ના થયા.ઉપરથી સમયની ચોકસાઈ વિશે ભાષણ સંભાળવું પડ્યું એ અલગ. પીછો છોડાવવા સાહેબે એટલું ચોક્કસ કહ્યુકે જો કોઈ મજૂરને વહેલા જવું હશે તો બાકીના કલાકો માટે એ બજરંગીને રાખી લેશે . પણ આ દુકાળમાં હાથમાં આવેલું કામ કોણ છોડે? સાંજ ના છ વાગ્યા સુધી ભૂખ્યો તરસ્યો બજરંગી સડક પાસે બેઠો રહ્યો . સૂરજનો આકાર જેમ જેમ નાનો થતો ગયો તેમ તેમ બજરંગીના ડાબા પગનો આકાર મોટો થતો ગયો. કામ કરીને પાછા ફરતા મજુરોના મોઢા ઉપર થાક ઉપરાંત સંતોષની રેખાઓ હતી. હવે ...?, પોતાનું તો ઠીક, રુખીનું પણ ઠીક પણ પેલા ત્રણ શિશુ કંકાલોનું  શું ..? કઈ ખાવાનુ લીધા વગર તો ઘરે કેમ જાવું ..? ડાબો પગ તો ઢસડાતો જ હતો પણ ઘરે પાછા ફરવાની હિંમત ના હોવાને કારણે હવે જમણો પગ પણ જાણે જુગલબંધીમાં ઉતર્યો .

સડકથી ઝુપડપટ્ટી સુધીના રસ્તામાં વચ્ચે આવતા કબ્રસ્તાનની પાછળની વાડને અઢેલીને બે ઘડી   ખાવા તે ઉભો રહ્યો . ડિસેમ્બર મહિનાની પાછલી તારીખોમાં ઠંડી અને સાંજનું અંધારું કોણ પહેલું વધે તેની હોડમાં પડ્યા હતા.કબ્રસ્તાનના એક ખૂણે કોઈની દફનવિધિ ચાલી રહી હતી .આછા ઉજાસમાં બીજું કોઈ તો નાના ટોળામાંથી ઓળખાયું નહિ પણ કદાવર પીઠ ઉપરથી  બજરંગી ગામમાં આવેલી ડીલક્ષ બેકરી વાળા રશીદ શેઠને ઓળખી શક્યો .સાંજ પડ્યે રશીદ શેઠ બેકરીનો વાસી માલ સસ્તી કિંમતે કાઢી નાખતા એ મેળવવાને બજરંગી ઘણી વાર સદભાગી બન્યો હતો. કબ્રસ્તાનમાં થતા ગણગણાટથી બજરંગીને એટલો ખ્યાલ જરૂર આવ્યોકે રશીદ શેઠ નો બે વર્ષનો લાડકવાયો ઝારૂન ચાર દિવસની માંદગી બાદ આજે જન્ન્નતનશીન થયો હતો.છેલ્લે છેલ્લે તો બાજુના મોટા શહેરમાંથી વિલાયતથી ભણેલા ડોક્ટર પણ આવ્યા હતા, અને બચ્ચામાં જાન નથી રહી એવું આખરી નિદાન કરીને માનવતાની દ્રષ્ટિ એ ફક્ત અડધી(!) ફી લઈને શહેરમાં રાહ જોતા બીજા દર્દીઓને જોવા મારતી મોટરે ભાગી ગયા હતા.

કફન ઓઢેલા ઝારૂનના શબ ઉપર રશીદ શેઠ વાંકા વળીને ચમકતા કાગળમાં વીંટળાયેલ કોઈ વસ્તુ મૂકી રહ્યા હતા.
"ઝારુન બેટે, મૈ તેરા બદનસીબ અબ્બા તેરે લિયે કુછભી ન કર સકા ..,યે રખ બેટે , યે બિસ્કુટ તુજે બહોત અઝીઝ થે ના.., બસ ઇતના હી કર શકતા હું તેરે વાસ્તે, મેરે જીગરકે ટુકડે ...,અલ્લાતાલા તેરેકુ જન્નત બખ્સે ...", બેટાના કપાળે આખરી બોસો ભરતા ભરતા પહાડ જેવા શેઠ,તૂટીને ચુર ચુર થઇ ગયા.
શેઠને બેટા સાથે આખરી પળોની એકલતા આપવા માટે દફનની જગ્યાએથી ભીડ થોડી તીતર બીતર થઇ અને આંખ ખેંચીને જોતા બજરંગીને ક્ષણભરમાં ખ્યાલ આવી ગયોકે ઝારૂનની લાશ ઉપર ઝારૂનને બહુ ભાવતા ક્રીમવાળા બિસ્કીટના ત્રણ પેકેટ હતા .

દફન વિધિ પૂરી થતાં મૈયતમાં શામિલ થનારા લોકોની સાથે રશીદ શેઠ હતાશ પગલે કબ્રસ્તાનની બહાર જઈ રહ્યા હતા. પલ ભર માટે તો બજરંગીને રશીદ શેઠ પાસે જઈને આશ્વાસન આપવાની ઈચ્છા થઇ આવી .આખરે તો એ પણ એક બાપ હતો ને..? ,પણ બીજી જ ક્ષણે તેને ખ્યાલ આવ્યોકે રશીદ શેઠની તુલનામાં એ બહુ નાનો આદમી હતો અને ઓછું હોય તેમ શેઠનો પણ બે મહિનાનો હિસાબ ચૂકતે કરવાનો પણ બાકી હતો.
હવે કબ્રસ્તાન સુમસામ થઇ ગયું હતું . દૂર સીમમાં કુતરાઓની ભસાભસ સિવાય બીજો કોઈ અવાજ ન હતો આવતો .ઠંડા પવનના વધતા જતા વેગે બજરંગીને પોતાનું ફાળિયું છોડીને શરીર પર ઓઢવા માટે મજબૂર કર્યો .ઘરે જાવા માટે એણે બે ડગલા માંડ ભર્યા ત્યાં જ એને તેનો હાથ હળવો લાગ્યો . સાલો કોસ તો વાડ પાસે જ રહી ગયો. બબડીને બજરંગી પાછો ફર્યો . વાંકો વાળીને કોસ લેવા જતાએણે જમીન ઉપર નાનકડો ચમકતા કાગળનો ટુકડો જોયો . અરે આ તો પેલા બિસ્કીટ પર વીંટાયેલા કાગળના ટુકડા જેવો જ છે. જો ને કેવો ચમકે છે...?, નાનકા ને આમાંથી વિમાન બનાવી દઈશ .બચારો એવો રાજી થઇ જશે કે ખાવાનું પણ ભૂલી .....!!!

જીવન ની નબળી ક્ષણ એના આગમનની એંધાણી આપવામાં પણ એટલી જ નબળી ઉતરતી હોય છે તો આતો વળી નસીબના નબળા એવા બજરંગીની નબળી ક્ષણ ..., પેલા ઝારૂન સાથે જ દફન થયેલા બિસ્કીટ ..."તઈણ પેકેટ તો હતા કેમ ...?, એક નાનકા માટ , એક માણકી માટ અને એક મોટા ભૂદર માટ .., પચ્ચી જેટલા બિહકીટ તો હશે પેકેટમાં ..સોરાં રોજ્યે તઈણ ખાય ને ઉપર લોટો ભરીન પોણી પીએ તો પણ છ હાત દિ નું કોમ હાલી જાય .ભુદરો તો જાણ ક મોટો સે , પણ નાનકા ને માણકી મોંથી તો હાટેને વધસે તી રૂખડી ને ય હાલસે . પછ્યે ભલ વૈદડો ક્યે, ઈમ પોંચ દિ પડ્યો રહીશ .મુ છો ભૂખ્યો રેતો .. મુ ભૂખ્યો રેવા, તો આ કાયાની હંગાથ ઓલ્યો પગનો હોજો પણ હુકાઈ જાસ ક બીજું કોંઈ ..?"...બજરંગીએ પોતાને આવડ્યું એવું ગણિત માંડ્યું .

કોસ ઉપાડીને કબ્રસ્તાનની વાડમાંથી ગળકવા જાતા મન પાછું પાડવા લાગ્યું ..પાપ લાગહે ..નરકમાં જાવું પડસે ..સામે બીજું મન દલીલ માટે તૈયાર જ હતું .. આ જિંદગીમાં અને નરકમાં ફેર શું હોય ..?

નરકમોં તો મું જઈશ. પણ સોરાંઓ તો ભૂખ્યા નઈ રયે . હારું તાણ ...!!!,

હવે નિર્ણય બદલવાને કોઈ અવકાશ ન હતો . રહ્યો સહ્યો મનનો છટપટાટ કોસના ધીમા પણ તાલબદ્ધ અવાજમાં શમી ગયો.આ થોડી ક્ષણોના કામે પણ બજરંગીને પરસેવે રેબઝેબ કરી દીધો .કમોસમી વરસાદના થોડા વેગથી પડતા છાંટા ક્યાંક એને રાહતરૂપ લાગ્યા .આખરે ચમકતા કાગળમાં છુપાયેલો કુબેરનો ભંડાર દેખાયો ખરો...બજરંગી એ એક જ ઝાટકે પેકેટ ઉપાડ્યા .પેકેટ નીચેનું રેશમી કફન હવામાં સહેજ ફરફરી ઉઠ્યું . પલ ભર માટે થડકી ઉઠ્યો બજરંગી ..

હિંમત કરીને છાતી ઉપર હાથ રાખીને વધુ વાંકો વળ્યો અને ...હવા તો ક્યારની પડી ગઈ હતી પણ કફનનો વધતો સળવળાટ ... ?, હાથમાંના બિસ્કીટના પેકેટ મૂઠીના જોર થી તૂટીને છૂટી પડ્યા અને બિસ્કીટ વગરના ઉડતા કાગળ જેવો બજરંગીનો ભયાંકિત આત્મા પણ...

ઝારૂનના રૂદનની વધતી જતી માત્રાએ મધરાતે કબ્રસ્તાનની ઇર્દ ગીર્દ આવેલા છુટા છવાયા નાના મકાનોમાં રહેતા લોકોને જગાડી દીધા . લોકોને એક અને એક બે કરતા વાર ના લાગી . નાના ગામમાં વાત વાયુવેગે પ્રસરી ગઈ કે શહેરનો કહેવતો મોટો ડોક્ટર નિદાનમાં ખોટો પુરવાર થયો હતો. ઝારૂનના નબળા પડતા જતા ધબકારા એનું વિલાયતી સ્ટેથોસ્કોપ પારખવામાં ઊણું ઉતર્યું હતું . ભલું થાજો એ માટીની ગરમીનું જે એના દફનાવેલા શરીર પર હતી .ખુદાતાલાનો કરિશ્મા જ કે પેલો કમોસમી બારીશ જો ન પડ્યો હોત તો , કબર ઉપરની તાજી માટી પલળી ને અંદર સુધી હવા પણ ન ગઈ હોત.. અને ખાસ તો ભલું થાઓ એ ભડવીર બજરંગીનું જેણે ચોકકસ કાઈ હિલચાલ જોઈ અને ગામમાંથી લોકોને બોલાવવામાં સમય બરબાદ કરવા કરતા સમય વર્તીને એકલા હાથે ઝારૂનને બહાર કાઢ્યો . પણ આટલી તેજ ગતિથી ખોદકામ કરવામાં બિચારાનું પોતાનું જ હૃદય બેસી ગયું ...

વહેલી સવારે બજરંગીની સ્મશાનયાત્રા સુધરાઈની ચૂંટણીમાં ઉભા રહેલા અપક્ષ અને માથા ભારે ઉમેદવાર ચરણ દાસની આગેવાની હેઠળ ધૂમધામથી નીકળી . આ તકસાધુ નેતાને વહેલી સવારે કબ્રસ્તાનની અંદર પડેલા બિસ્કીટની જયાફત ઉડાડતા કુતરાઓને જોઇને પ્રેરણા મળી હોય કે બીજી કોઈ રીતે પણ ચરણદાસ રશીદ શેઠને બાથમાં લઈને સ્મશાનના દરવાજા પાસે જોરશોરથી ભાષણ કરી રહ્યા હતા જેનો મુદ્દો હતો એક હિંદુએ મુસ્લિમ બચ્ચા માટે આપેલુ બલિદાન  ...!!, પુત્રની પુન:પ્રાપ્તિની ખુશીમાં રશીદ શેઠ પણ હા માં હા મિલાવતા હતા.આ કોમી ઐક્ય જોઇને ચરણદાસ ના શેતાની દિમાગમાં રડી ખડી ખ્રિસ્તી વોટબેન્ક પર પણ હાથ મારવાનો વિચાર આવ્યો અને એમણે ગામની મધ્યે બજરંગી ની ખાંભીનું ઈશુના નવા વર્ષે અનાવરણ કરવાની જાહેરાત કરી અને ગામના લોકોને આ ખાંભી માટે ઉદાર હાથે ફાળો આપવાની વિનંતી કરી . રશીદ શેઠે નવા વર્ષે ગામ આખાને જમાડવાની જાહેરાત કરી તો ખ્રિસ્તી કોમના આગેવાન ફર્નાન્ડીસ ટેલરે માથાભારે ચરણદાસને વહાલા  થવા તમામ બાળકોને એક એક જોડી ખમીસ અને ચડડી ચરણદાસને શુભ હસ્તે નવા વર્ષે ખાંભી ના અનાવરણ પ્રસંગે આપવાની જાહેરાત કરી. ગામમાં ઉત્સાહનો એવો તો વંટોળ ફૂંકાયો કે બજરંગી ની ચિતાની રાખ તો રુખીના સીન્દૂરને સાથે લઈને જોજનો દૂર ઉડી ગઈ .

ઝુંપડાની બારસાખે ,આ ત્રણ ભૂખ્યા બાળકોનું હવે શું થશે એ વિચારે રૂખી ગુમસુમ બેઠી હતી . ત્યારે વાસનાં વડીલ જેવા કરસન કાકાએ રુખીને આશ્વાસન આપતા કહ્યું કે " લે હાલ, તારો મરદ તો મરીને પણ મોટું માણહ થઇ જ્યો . શરણભાઈ એ હું કહ્યું ઈ હોંભળ્યું ક નઈ , નવા વરહે તો બજરંગી ના મોનમોં મોટો જલહો થાહે .સંધાય હાથે જમહે ને સોરાંને નવા કપડાં બી ..."

અચાનક વડીલની આમન્યા છોડીને રૂખી એ માથું ઊંચું કરીને વહેરી નાખતી ભેંકાર નજરે કરસન કાકા સામે એવું  જોયું કે જમાનાના ખાધેલ કાકા પણ એક થડકો ચૂકી  ગયા

.બીજી જ પળે રુખીની આંખો ની ચમક બદલાઈ ગઈ અને રૂખી એટલું જ બોલી ....

"હેં કાકા , તી નવા વરહ આડય હજુ ચેટલા દિ ....???"

No comments:

Post a Comment