
આ જહાજનું નામ મુંબઈની નદી પરથી રખાયું હતું. અને જહાજનું હુલામણું નામ વીજળી હતું, કારણ આ સમયે નવા પ્રકારની રોશની આપતા વીજળીના બલ્બથી આખુ જહાજ પ્રકાશિત હતું. જાણે આખા જહાજને એલઈડી સીરીઝથી શણગાર્યુ હોય તેમ!!!
આડ વાત આ સમયે એસએસ દરેક શીપની આગળ લખાતું હતુ, એસ એસ એટલે સેઈલીંગ શીપ.
એસ એસ વૈતરણા ગ્રેંજમથ ડોકયાર્ડ કાું. લિ. દ્વારા ૧૮૮૫માં બનાવવામાં આવેલું, વરાળથી ચાલતું અને સ્ટીલથી બનેલું જહાજ હતું. તેને બનતા ત્રણ વર્ષ લાગ્યા હતા. તેમાં ત્રણ મજલા, પચ્ચીસ ઓરડા હતા અને બે જહાજસ્થંભો હતા. તેની વજન ક્ષમતા ૨૯૨ ટન હતી જેમાં ૨૫૮ ટન તૂતકની નીચે હતી. આ વરાળ એન્જિનને બે સિલિન્ડર હતા, જેનો વ્યાસ ૨૧" હતો અને જે ૪૨" અને ૩૦" ના હડસેલા વડે ૭૩ હોર્સપાવર જેટલી શક્તિ ઉત્પન કરતા હતાં. ડુન્સમુર એન્ડ જેક્સન, ગ્લાસગોએ આ એન્જીન બનાવ્યુ હતુ. જહાજની લંબાઈ ૧૭૦.૧ ફીટ, પહોળાઈ ૨૬.૫ અને ઊંડાઈ ૯.૯ ફીટ હતી.
આ જહાજ માંડવી, કચ્છ (તે સમયનું કચ્છ રજવાડું) થી મુંબઈ વચ્ચે મુસાફરો અને માલ-સામાન લઇને આવન-જાવન કરતું હતું. એ સમયનું નૂર ફકત ૮ રૂપિયા હતું. એસ એસ વૈતરણા માંડવીથી મુંબઈની સફર ૩૦ કલાકમાં પૂરી કરતું હતું. આ વિસ્તારનાં યાને કરાંચી થી મુંબઈ સુધીના મોટા ભાગના જહાજો તોફાનોનો સામનો કરવા માટે બનાવેલા નહોતા કારણ કે સામાન્ય રીતે આ બધા જહાજો બંદરોથી બંદર સુધી શાંત વાતાવરણમાં જ સફર કરતાં હતાં અને તોફાનો દરમિયાન બંદરો પર લાંગરેલા રહેતા હતા.
એસ એસ વૈતરણા માંડવી બંદર પર ગુરૂવાર, તારીખ ૮ નવેમ્બર ૧૮૮૮ -વિક્રમ સવંત ૧૯૪૫ની કારતક સુદ પાંચમના રોજ બપોરે લાંગર્યું હતું અને ૫૨૦ પ્રવાસીઓને લઈને દ્વારકા માટે રવાના થયું. દ્વારકા પહોંચ્યા બાદ વધુ પ્રવાસીઓ લીધા બાદ સંખ્યા ૭૦૩ પર પહોંચી. તે પોરબંદર માટે રવાના થયું. લોકવાયકા મુજબ, પોરબંદર બંદરના તે સમયના પોર્ટ સુપ્ર્રીન્ટેન્ડ્ મિ. લેલીએ કપ્તાનને સમુદ્રમાં સફર કરવાની ના પાડી હતી. પરંતુ પાછળથી થયેલા સંશોધનો મુજબ આ વાત ખોટી હતી. ખરાબ હવામાનને કારણે જહાજ પોરબંદર પર રોકાયું જ નહી અને સીધું મુંબઈ જવા રવાના થયું. સાંજ પડતાં તે માધવપૂરના દરિયા કિનારે દેખાયું હતું અને કેટલાંક લોકોએ તેને માધવપુર (ઘેડ) નજીક ભારે તોફાનમાં તૂટેલું દેખાયું હોવાનો દાવો કર્યો હતો. અને સાંજ અને રાત દરમ્યાન આ જહાજે જલસમાધી લઈ લીધી. બીજાં દિવસે સતાવાર જહાજને ખોવાયેલું જાહેર કરવામાં આવ્યું.
આ દુર્ઘટનામાં એક પણ વ્યક્તિ જીવીત કે મૃત દેહ રૂપે સાગર તટે નથી મળ્યો કે ન તો જહાજનો કાટમાળ. જેમાં ૭૦૩ પેસેન્જર્સ અને ૪૩ જહાજ-કર્મીઓ. ૭૦૩ પેસેન્જર્સમાં ૧૩ જેટલી લગ્નની જાનના જાનૈયા હતા, અને ડિસેમ્બરમાં આવતી મુંબઈ યુનિવર્સિટીની મેટ્રીકની પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીઓ
હવે આપણે જહાજના કપ્તાન હાજી કાસમ ઈબ્રાહિમ વિશે જાણીએ.. આ કપ્તાન કોઈ મામુલી કપ્તાન નહોતો કે ન તો સર્વાઈવ માટે કપ્તાન થઈ હતો, તે ખરા અર્થ માં ખારવો-સેઈલર હતો, સી-લવર કહો કે સમુદ્રનો ભાવક .... તે બોરીવલી થી દહીસર સુધીમાં કિલોમીટર્સમાં જમીન ધરાવતો તે સમયનો જમીનદાર હતો. તેની પાસે અનેક ઓફિસ હતી, તેની મુખ્ય ઓફિસ એ.આર સ્ટ્રીટમાં આવેલ હતી, અને એ સમયે મલબાર હિલ પર વિશાળ કાય બંગલામાં રહેતો હતો. સાફ હ્રદયનો સાહસિક માણસ એટલે હાજી કાસમ.
તેને કોઈ સંત-ફકિરે આશિર્વાદ આપ્યા હતા. કે તારી પાસે ૮૪ લાખ ( સંખ્યા ૮૪ ) વહાણ થશે. પરંતુ સમયની પાટી પર શું લખ્યુ હતુ, એને પણ ખબર નહોતી, ‘વીજળી’ તેનુ છેલ્લુ વહાણ રહ્યુ. પરંતુ મુંબઈ શહેરને ખુલ્લા હાથે સખાવત કરતો ગયો જાણે મુંબઈ નગરીનો કોઈ નગર શ્રેષ્ઠી હોય તેમ!!!!!!!! તેમનાં યોગદાન ને મુંબઈ પાલિકામાં સ્થાન મળ્યુ છે કે નહિ તેના વિશે હું જ્ઞાત નથી... ચાલો તેની સખાવત જોઈએ ... ધોબી તળાવ પાસે ધુસવાડી માં આવેલ ચાલ ‘’હાજી કાસમ’’ ની ચાલ આજે પણ પ્રખ્યાત છે, અને આ સિવાય ‘’હાજી કાસમની ચાલ’’ , જે જે હોસ્પીટલ, વસીલ ખાન માર્ગ કાંઝીપુરા, એસવીપી રોડ પર કુલ મળી ને દસ ચાલ અને અન્ય નામે કુલ ૯૯ જેટલી એસ્ટેટ આ વ્યક્તિના સખાવત ના કારણે આજે પણ મુંબઈ શહેર ને ઈતિહાસ બયાં કરે છે.
આ જહાજની જલસમાધી બાદ જામનગરના કવિ, દુર્લભરાય વી. શ્યામજી ધ્રુવે ‘’વિજળી વિલાપ’’નામના ગીતોનો સંગ્રહ પ્રગટ કર્યો. ત્યારે બાદ ભીખારામ સાવજી જોષીએ પણ આ નામનું બીજુ પ્રકાશન પ્રગટ કર્યું. ઝવેરચંદ મેઘાણીએ આ પ્રકારના લોકગીતો ભેગા કરીને સંગ્રહ, રઢિયાળી રાત, માં "હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઈ" હેઠળ પ્રકાશિત કર્યું. ૧૯૫૪માં ગુજરાતી લેખક ગુણવંતરાય આચાર્ય એ હાજી કાસમ તારી વીજળી (૧૯૫૪) ના નામે આ ઘટના પરથી નવલકથા લખી.
ધોરાજી શહેરના સંશોધક વાય. એમ. ચિતલવાલાએ આ ઘટનાના અભ્યાસ પરથી ‘’વીજળી હાજી કાસમની નામ’’નું દસ્તાવેજી પુસ્તક તૈયાર કર્યું જે દર્શક ઈતિહાસ નિધિ દ્વારા ૨૦૧૦માં પ્રકાશિત કરવામાં આવ્યું છે.
આ જહાજની જલસમાધી બાદ અંગેજ સરકારે શકય હતા તેટલા સંશોધન કર્યા. હાથમાં કશું ન આવતા, તપાસ ને બંધ કરી દીધી.
માધવ પૂર થી વેરાવળનો દરિયો લો પ્રેશર સાઈક્લોનિક માટે કુખ્યાત છે. કારણ અહિ સૌરાષ્ટ્રની જમીની ભુમિ વળાંક પર છે, આથી નૈઋત્ય અને પશ્ચિમી પવનો ભેગા મળે છે, દરિયા થી જમીની ભુ ભાગ સુધી સાઈક્લોનિક પ્રેશર ઉભુ કરે છે, ઘણી વારઆ પ્રેશર કિનારા સુધી આવે છે તો ઘણી વાર દરિયામાં જ વિખરાય જાય છે. જે કથા સ્થિતી સમજવા સૌરાષ્ટ્રનો નકશો જોતાં માલુમ થશે, અને આ જ કારણે સૌરાષ્ટ્રનો વેરાવળ થી લઈ ને ઓખા સુધી ની દરિયાઈ પટ્ટી બીચ માટે આ અયોગ્ય અને ઘાતક ગણાય છે.
આજે પણ આ વિસ્તારમાં વીજળી ને લઈ ને ઘણી વાયકા અને દંતોક્તિ પ્રચલનમાં છે.
‘’વીજળી કે મારો વાંક નૈ, વીરા,લખિયલ છઠ્ઠીના લેખ’’........
હાજી કાસમ, તોજી વીજળી રે મધદરિયે વેરણ થઇ
સંકલન કર્તા
ડો. હિતેષ એ. મોઢા